Sunday, July 13, 2014

ચાતુર્માસ એટલે પરમને ભજવાનો સમય!

ચાતુર્માસના બે અર્થ થાય - એક 'ચાર માસનો સમાસ' અને બીજો 'ચતુરતા શીખવાનો માસ'. શું છે આ ચાતુર્માસ? ક્યા દિવસથી શરૂ થાય? કયા દિવસે પૂર્ણ થાય? આવો જાણીએ ચાતુર્માસના મહાત્મ્યને!

સમયઃ આષાઢ સુદ એકાદશી (દેવશયની એકાદશી) થી કારતક સુદ એકાદશી (દેવઊઠી એકાદશી) સુધી.

લોકમાન્યતાઃ ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યો વર્જ્ય ગણાય છે. કહેવાય છે કે આ ચાર માસમાં જો કોઈ મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવે તો યજમાનને એનું ફળ પ્રાપ્ત નથી થતું. ચાતુર્માસમાં તપસ્વીઓ ભ્રમણ કરવાને બદલે એક સ્થાને રોકાઈને તપ કરે છે. ચાતુર્માસ દરમિયાન પૃથ્વીના બધાં જ તીર્થો વ્રજમાં આવીને વાસ કરે છે એટલે આ ચાર મહિના વ્રજની યાત્રા માટે શ્રેષ્ઠ ગણાય છે. કારતક સુદ એકાદશીના તુલસીવિવાહ સાથે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે અને માંગલિક કાર્યોનો આરંભ થાય છે. એ પછી જ વિવાહના, ભૂમિપૂજનના અને ગૃહપ્રવેશના મુહુર્ત નીકળે છે.

ચાતુર્માસનું આટલું મહાત્મ્ય શા માટે? 
આપણા પુરાણોમાં એવું નિવેદન છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે અને લક્ષ્મીજી તેમનાં પગ દબાવે છે. ક્ષીરસાગર એટલે પાતાળમાં રાજા બલિના દ્વાર પર વિષ્ણુજી નિવાસ કરે છે. બલિરાજાની અને વિષ્ણુ ભગવાનના 'વામન અવતાર'ની કથા લોકજીભે ચઢેલી છે. આપણા પુરાણો મુજબ બલિરાજાએ પોતાના તપના બળથી સ્વર્ગલોક પર કબજો કરી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ એમને પાઠ ભણાવવા માટે વામન અવતાર લીધો. બલિરાજા જ્યારે યજ્ઞ કરી રહ્યાં હતાં તે વખતે ભગવાન વિષ્ણુ વામન અવતાર ધારણ કરી યજ્ઞ સ્થળે પહોંચી ગયા. યજ્ઞ પછી રાજા બલિએ વામન મહારાજને દક્ષિણા માંગવાનું કહ્યું. યજમાનને પ્રસન્ન જોઈને વામન મહારાજે નાની કુટિર બનાવવા માટે ત્રણ પગલાં જમીન માંગી. રાજા બલિ માટે ત્રણ પગલાં જમીન એક મામૂલી વાત હતી માટે તરત જ ત્રણ પગલાં ભૂમિ આપવાની તૈયારી બતાવી અને કુમકુમ, અક્ષત અને ફૂલ પધરાવીને સંકલ્પ કર્યો. સંકલ્પ પૂરો થતાં જ ભગવાન વિષ્ણુએ વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલા પગલે આખી પૃથ્વી અને બીજા પગલે આકાશ માપી લીધું. તોય હજી એક પગલું ભૂમિ લેવાની બાકી હતી. છેવટે બલિરાજાએ પોતાના મસ્તક પર પગ રાખવાનું કહ્યું. વિષ્ણુ ભગવાને બલિરાજાના માથા પર પગ મૂકીને એટલું જોરથી દબાવ્યું કે બલિરાજા સીધા પાતાળમાં પહોંચી ગયા. બલિરાજા પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ વરદાન માંગવાં કહ્યું જેમાં બલિરાજાએ વિષ્ણુને પોતાના દ્વારપાળ બનાવી દીધા. આ બાબતે સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો અને લક્ષ્મીજીએ રક્ષાબંધનના પવિત્ર દિવસે બલિરાજાને રાખડી બાંધી, ભાઈ પાસે માંગણી કરી કે વિષ્ણુને વિષ્ણુલોકમાં જવા દો. આ વાતે બલિરાજા સંમત તો થયા પણ એક શરત રાખી કે ભગવાન વિષ્ણુ ભલે આઠ મહિના સુધી વિષ્ણુલોકમાં રહે પણ ચાર મહિના તો ફરજીયાત મારા મહેલમાં રહેવું પડશે. આ કારણે ભગવાન વિષ્ણુ વર્ષમાં ચાર મહિના પાતાળલોકમાં રહે છે જે સમયને આપણે 'ચાતુર્માસ' કહીએ છીએ.

Vaman Avatar of Lord Vishnu
શા માટે ચાતુર્માસમાં માંગલિક કાર્યો ન થાય?
ચાતુર્માસ એટલે ખરો ચોમાસાનો સમય. આજે જ્યારે આપણે નવાં-નવાં વાહનોથી સજ્જ છીએ ત્યારે પણ જો બારે મેઘ ખાંગા થાય તો આપણા જીવનને બ્રેક લાગી જાય છે. પુરાણોના વખતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આવાગમન કરવાના કોઈ સાધનો ન હતાં, એ વખતે લોકો પગપાળા પ્રવાસ કરતાં. એમાંય ચોમાસાના સમયે નદી-નાળાં છલકાઈ જાય, દરેક જગ્યાએ પાણી ભરાઈ જાય, પીવાનું પાણી દૂષિત થાય, રોગના પ્રકોપ થાય - તો લોકો માટે મોટી તકલીફો ઊભી થાય. એ પરિસ્થિતિમાં આપણ ઋષિ-મુનિઓએ ચોમાસાના ચાર મહિના દરમિયાન માંગલિક પ્રસંગોને વર્જ્ય ગણ્યા હશે.

ચાતુર્માસનું મહાત્મ્યઃ
ચાતુર્માસ એટલે કંઈક ત્યાગીને કંઈક પામવાનો સમય. ઘણાં આસ્થાળુઓ ચાતુર્માસમાં પલંગ પર સૂવાનો, ભાર્યાનો સંગ કરવાનો, રીંગણાનો ત્યાગ કરે છે. તદુપરાંત આ ચાર મહિનામાં દીર્ઘાયુ અથવા પૌત્ર-પ્રૌત્રાદિની પ્રાપ્તી માટે તેલનો, શત્રુનાશ માટે કડવા તેલનો, સૌભાગ્ય માટે મીઠા તેલનો અને સ્વર્ગ પ્રાપ્તિ માટે પુષ્પાદિનો ત્યાગ કરવામાં આવે છે. આ ચાર મહિનામાં મોટા સંત-મહાત્મા અને જ્ઞાનીજનો એકાંતમાં નિવાસ કરીને સાધના, મનન, ચિંતન અને વાંચન કરે છે. મોક્ષપ્રાપ્તિ માટે પાયાના અંગભૂત ગણાતા ચાર મુખ્ય સાધન ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાતુર્માસમાં સિધ્ધ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. 

ચાતુર્માસમાં બીજા કોઈ નહીં તો એકાદશી તો અવશ્ય કરવાનું પ્રતિપાદન કરવામાં આવેલું છેઃ

શયને ચ મદુત્થાને મત્પાશ્વૅપરિવર્તને ।
નરો ભૂલફલાહારી હૃદિ શલ્યં મમાર્પયેત્ ।। (અર્થદીપિકા ટીકા)

અર્થાત, 'મારા પોઢવાના દિવસે (દેવશયની એકાદશી), મારા ઊઠવાના દિવસે (પ્રબોધિની એકાદશી) ને મારા પડખા ફેરવવાના દિવસે (પરિવર્તિની એકાદશી) - વ્યક્તિ, દૂધ, જળ કે ફળ-પત્ર આરોગે છે, તે મારા હૃદયમાં શૂળ ભોંકે છે.' અર્થાત્ આ ત્રણે એકાદશીઓ સંપૂર્ણ નિર્જળા કરવી જોઈએ.  

સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ શિક્ષાપત્રીમાં ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે,

વિશેષનિયમો ધાર્યશ્ચાતુર્માસ્યેડખિલૈરપિ ।
એકસ્મિન્ શ્રાવણે માસિ સ ત્વશક્તૈસ્તુ માનવૈઃ ।।
 

અર્થાત, 'ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધરવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, 'ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવતમંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાંથી કોઈ એક નિયમ ભક્તિએ યુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો.

અષાઢ માસમાં ગુરુ દ્વારા યોગ્યતાને જાણવી જોઈએ. ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ પણ અષાઢ મહિનામાં આવે છે, એ દિવસે ગુરુના નિર્દેશાનુસાર ગુરુદેવના પાદ-પૂજન પછી કાર્યનો પ્રારંભ થવો જોઈએ. ચાતુર્માસનો બીજો મહિનો એટલે શ્રાવણ. આ મહિનામાં કૃષ્ણપક્ષમાં શ્રીકૃષ્ણની જન્માષ્ટમી આવે છે. 'કૃ' ધાતુ કર્મ ક્રિયાશીલતા બતાવે છે, એટલે આ માસમાં ક્રિયાશીલતામાં વધારો કરી પોતાના જ્ઞાનનો સદુપયોગ કરવો જોઈએ. ભાદરવો એ પિતૃતર્પણનો એટલે કે શ્રાદ્ધનો પક્ષ છે જેમાં પૂર્વજોના ગુણોનું અનુશીલન કરીને એમના પ્રત્યે કૃતજ્ઞતા રાખવી જોઈએ. આસો માસના અશ્વિની નક્ષત્રના સ્વામીએ મહર્ષિ ચ્યવનને ઔષધિનો ઉપદેશ આપીને યુવાન અને દીર્ઘાયુ બનાવ્યા હતા. માટે આ મહિનામાં વિવેકથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવો તો સ્વસ્થ નિરોગી દીર્ઘ જીવન મળે છે. કારતક મહિનો એ નવિનતાનો માસ છે, જેમાં ક્રિયાશીલતાનો વધારો થાય છે.

====

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.તેના ઉપરથી કહેવત પણ બનેલ છે : બારે મેઘ ખાંગા.. બાર પ્રકારના મેઘ આ મુજબ છે :  (સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

૧. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

2 comments: